LRD વિવાદ : ભાજપના સાંસદોએ પત્ર લખી વિવાદનો મધપૂડો છંછેડ્યો…..?

LRD વિવાદ : ભાજપના સાંસદોએ પત્ર લખી વિવાદનો મધપૂડો છંછેડ્યો…..?

  • બિનઅનામત કેટેગરીની બેઠકો રદ કરવા ભાજપાના શંભુપ્રસાદ અને પૂનમ માડમે જેડીનો પરિપત્ર રદ કરવા કરી ભલામણ
  • અનામત કેટેગરીમાં વધુ ગુણ લાવનાર મહિલાઓએ ઓપન કેટેગરીમાં ઉમેદવારી કેમ ના કરી..? પૂછાતો સવાલ
  • ભાજપના સાંસદો એસટી-એસસી-ઓબીસીને રિઝવવા બિનઅનામત જ્ઞતિઓને અન્યાય કરી રહ્યાં હોવાની છાપ ઉપસી

(જી.એન.એસ.) ગાંધીનગર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ દળમાં લોકરક્ષક દળ(એલઆરડી) કોન્સ્ટેબલ તરીકે પોતાને સમાવવાની માંગણીને લઇને અનેક મહિલા ઉમેદવારો છેલ્લાં 30 દિવસથી આંદોલનના માર્ગે છે ત્યારે ભાજપના બે સાંસદો પૂનમ માડમ અને શંભુપ્રસાદ ટુંડિયાએ સત્યાગ્રહ છાવણી ખાતે તાજેતરમાં તેમની મુલાકાત લઇને સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને અલગ અલગ પત્રો લખીને આ મહિલા ઉમેદવારો કે જેઓ એસટી એસસી અને ઓબીસી કેટેગરીમાં છે અને આ અનામત કેટેગરી માટે નિયત ટકાવારી કરતાં વધુ ગુણ પરીક્ષામાં મેળવ્યાં હોઇ તેમને બિન-અનામત એટલે કે જનરલ કેટેગરીની બેઠકોમાં સમાવીને પોલીસ દળમાં સ્થાન આપવાની ભલામણ કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે એલઆરડીમાં ભરતી માટે આંદોલનકરનારી આ મહિલા ઉમેદવારોનું કહેવું છે કે તેઓ અનામત વર્ગના ઉમેદવારોને પરીક્ષા પાસ કરવા જે મેરિટના ગુણો મેળવવા પડે તેના કરતાં વધારે ગુણ તેમણે મેળવ્યાં છે. તેમને એસટી-એસસી કે ઓબીસીની અનામત બેઠકોના ક્વોટામાં નહીં પણ બિનઅનામત એટલે કે જનરલ કેટેગરીની બેઠકોના ક્વોટાની બેઠકોમાં સમાવીને તેમને નોકરી મળવી જોઇએ.

સૂત્રોએ કહ્યું કે જો તેઓ એસટી-એસસી અને ઓબીસી કેટેગરી માટે નિયત મેરિટના ગુણ કરતાં વધારે ગુણ મેળવી શકવા સક્ષમ હતી અને એટલા ગુણ મેળવ્યાં છે તો તેમણે અનામતને બદલે ઓપન કેટેગરીમાં ઉમેદવારી કેમ ના કરી…? વધુ ગુણ મેળવ્યા છતાં તેમનો મેરિટમાં સમાવેશ નહીં થયો હોય તો તેના કારણોમાં જગ્યા મર્યાદિત હશે અથવા તો કોઇ કારણોસર તેમનો સમાવેશ થઇ શક્યો નથી. અને છેલ્લાં 30 દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેઠા છે.
તાજેતરમાં ભાજપના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા અને મહિલા સાંસદ પૂનમ માડમે ઉપવાસી મહિલા ઉમેદવારોની મુલાકાત લઇને તેમને સાંભળીને અને તેમની પાસેથી મેમોરેન્ડમની નકલો લઇને તેના આધારે સીએમ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી જડેજાને અલગ અલગ પત્રો પાઠવીને સરકારનું ધ્યાન દોર્યું છે કે આ ઉમેદવારો સાથે સરકારના 1-8-2018ના પરિપત્રથી અન્યાય થયો છે. જેનો તે વિરોધ કરી રહ્યાં છે.

સુપ્રિમ કોર્ટના આદેશ પ્રાણે અનામતની જોગવાઇમાં જે તે કર્મચારી ઓપન કેટેગરીમાં મેરિટ સાથે આવતાં હોય તેમને મેરીટમાં ત્યારબાદ એસટી-એસસી અને ઓબીસીનો અનામતનો લાભ આપવો જોઇએ, તેવી સ્પષ્ટ સુચના છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઇ છે કે અનામત કેટેગરીમાં આવતી મહિલાઓ કરતાં ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓને માર્ક્સ ઓછા છે. જે સંવિધાનની રીતે યોગ્ય નથી. શંભુપ્રસાદે સરકારને જાણ કરી છે કે આ મહિલા ઉમેદવારોને સમાવવા માટે તાકીદે જીએડીનો પરિપત્ર રદ કરીને એસસી-એસટી-ઓબીસીની આ મહિલાઓને ન્યાય આપવાની મારી ભલામણ છે. આ આંદોલનકારી મહિલાઓને જીએડીના એક પરિપત્રને કારણે અન્યાય થયો હોવાનો દાવો કરાયો છે.

જ્યારે પૂનમબેને જાડેજાને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે લોકરક્ષક દળની પરીક્ષા અન્વયે બહાર પાડવામાં આવેલ મેરીટ લિસ્ટમાં અનામત કેટેગરીની મહિલાઓ કે જેઓએ બિનઅનામત કેટેગરીની મહિલાઓ કરતાં વધારે ગુણ મેળવ્યાં છે છતાં અનામત કેટેગરીની મહિલાઓને બિનઅનામત કેટેગરીમાં સામેલ નહીં કરીને અન્યાય કરાયો છે. જેથી મેરિટ લિસ્ટ રદ કરીને વધુ ગુણ ધરાવતી અનામત કેટેગરીની મહિલાઓને બિનઅનામત વર્ગોમાં સમાવવા અને નવું મેીટ લિસ્ટ જાહેર કરવા તથા જીએડીના જીઆર સીઆરઆર-1096-2213-તા. 1-8-2018 અનામત કેટેગરીની મહિલાઓને અન્યાયકર્તા હોવાનું જણાવીને તે રદ કરવા ભલામણ છે.

આ અંગે સૂત્રોએ કહ્યું કે ભાજપના બે સાંસદોએ જાતિવાદ અને જ્ઞાતિવાદ ભડકાવવાનું કામ તો નથી કર્યું ને એવો પણ પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કેમ કે તેમણે અનામત કેટેગરીની મહિલાઓને બિન અનામત એટલે જનરલ કેટેગરીની બેઠકોમાં સમાવવા સરકારને જણાવ્યું છે. સવાલ એ છે કે અનામત કેટેગરીમાં બિન અનામત કરતાં વધુ ગુણ મેરિટમાં મેળવવાની ક્ષમતા ધરાવતી આ મહિલા ઉમેદવારોએ જનરલ કેટેગરીની બેઠકો માટે કેમ ઉમેદવારી ના કરી…? તેમણે અનામત બેઠકોના લાભ માટે ઉમેદવારી નોંધાવી પણ અનામત મેરિટમાં કોઇ કારણોસર તેમનો સમાવેશ નહીં થઇ સક્યો હોવાથી રહી ગયા અને હવે બિનઅનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરીમાં આવતી જાતિઓ કે જ્ઞાતિઓ માટેની બેઠકો પર હક્ક દર્શાવે અને ભાજપના સાંસદો પણ તેમને પ્રોત્સાહન આપે તે યોગ્ય નથી.

સૂત્રોએ કહ્યું કે સરકારના જીએડી વિભાગે જ્યારે આ ઠરાવ કર્યો હશે ત્યારે સમજી વિચારીને જ કર્યો હશે. અને હવે તેને રદ કરવાની માંગ અને ભલામણ કરીને બિનઅનામત કેટેગરીવાળા ઉમેદવારો સાથે દેખીતો અન્યાય આ બે સાંસદો કરી રહ્યાં હોવાની પણ છાપ ઉપસી રહી છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!