મકાનના સોદા માટે બોલાવેલી લેડી ડોને યુવાનના ગળા પર છરી મુકી હુમલો કર્યો..!

Spread the love

અમદાવાદ

સરદારનગર વિસ્તારમાં રહેતા અને વેપારી તેમજ એસ્ટેટ બ્રોકર દિપુ ઉર્ફે દિપુ જયમાતાજી ચેતનાની પર એક મહિલાએ છરી વડે હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. ગીરવે મકાન લેવાના બહાને મહિલાએ દિપુને એસપી રીંગ રોડ પર આવેલા અગોરા મોલ પાસે બોલાવ્યો હતો જ્યા તેમના ગળા પર છરી મુકી દીધી હતી.

સરદારનગર વિસ્તારમાં રહેતા દિપુ જયમાતાજી તરીકે ઓળખાતો વ્યક્તિ    ધણા સમયથી શાકભાજીનો હોલસેલનો ધંધો કરે છે તેમજ તેમનો મોબાઇલ સ્ટોર પણ કુબેરનગર વિસ્તારમાં આવેલો છે અને એસ્ટેટ બ્રોકરનું પણ કામ કરે છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં દિપુએ નીતા ભરવાડ અને અન્ય ત્રણ અજાણ્યા લોકો વિરુધ્ધમાં જાનથી મારી નાખવાની કોશિષ તેમજ લૂંટની ફરિયાદ કરી છે. થોડાક વર્ષો પહેલા દિપુએ સરદારનગરની જવાહર કોલોનીમાં ચાર મકાનો બનાવ્યા હતા. મકાનો બનાવી દીધા બાદ નીતા ભરવાડે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને કોર્પોરેશનમાં અરજીઓ કરી હતી. આ મામલે દિપુ અને નીતા વચ્ચે સમાધાન થયુ હતું.

દિપુ ગીરવે મકાન ખરીદી લે તે માટે નીતાએ અનેક વખત ફોન કર્યો હતા જેથી બુધવારની રાત્રે દિપુ તેમને મળવા માટે એસપી રીંગરોડ પર આવેલ અગોરા મોલ ગયા હતા. નીતા દિપુની કારમાં આવીને બેસી ગઇ હતી અને સાથે થોડેક દુરથી નીતાના સાથીદાર હીરાભાઇ તેમજ શારદાબેન અને અન્ય યુવક પણ આવીને બેસી ગયા હતા. દિપુ કઇ વિચારે તે પહેલા નીતાએ તેના ગળા પર છરી મુકી દીધી હતી અને ધમકી આપી હતી. દિપુએ બુમાબુમ કરી મુકી હતી જેથી તરતજ નીતાએ તેમના પર છરી હુલાવી દીધી હતી.

દિપુને હાથમાં ઇર્જા પહોચી હતી જ્યારે નીતા બીજો ધા મારવા ગઇ ત્યારે તે કાર માંથી કુદી ગયો હતો. દિપુએ તરતજ પોલીસને જાણ કરી દીધી હતી જ્યારે નીતા અને તેની સાથે આવેલા લોકો નાસી ગયા હતા. દિપુએ આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.એ.ચૌધરીએ જણાવ્યુ છેકે રુપિયાના મામલે માથાકુટ થઇ હતી જેમાં દિપુએ આપેલી ફરિયાદના આધારે ઝીણવટ પુર્વક તપાસ કરી રહ્યા છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!