રાજપીપલા ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરાઇ

રાજપીપલા ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરાઇ
Spread the love

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય  દ્વારા સ્ત્રી જાતિ  જન્મદરમાં વધારો કરવા, છોકરીઓનું માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધારવા તેમજ દિકરીઓની સુરક્ષા માટે “બેટી બચાવો બેટી પઢાવો”  યોજનાને  અમલી બનાવવા આજે બેટી બચાવો બેટી પઢાવો કાર્યકારી સમિતિ દ્વારા સરદાર ટાઉન હોલ ખાતે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ના ઉજવણીના કાર્યક્રમને રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબન ભટ્ટ,  ઇન્ડીયન મેડીકલ એસોશીયેશનના પ્રમુખશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, જિલ્લા અધિક  આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત,  જિલ્લા મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઇ વસાવા સહિતના મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકયો હતો.

આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબન ભટ્ટે પ્રાસંગિક ઉદબોધનમાં દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથે સમાજમાં દિકરીને આગળ આવવા હાંકલ કરી હતી. મહિલાઓએ સ્ત્રી ભૃણ હત્યાને રોકવી જોઇએ તેમજ દીકરીઓના મુલ્યોની જાળવણીની સાથોસાથ દીકરી સમાજમાં સ્વનિર્ભર થાય તે અંગે ભાર મુકવામાં આવ્યો હતો. મહિલાઓમાં જાગૃતિ આવવાની સાથે સમાજની દિકરીઓએ ઉચ્ચાભ્યાસ તરફ તેમનું ઘ્યાન કેન્દ્રિત કર્યું છે.  સરકારશ્રીની અનેકવિધ મહિલાઓ માટે યોજનાઓ છે તેનો લાભ લેવાની તેમણે હિમાયત કરી હતી.

જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલે જણાવ્યું હતું કે, બહેનોમાં જે સેક્સ રેશિયો ઘટ્યો છે તેની ચિંતા આપણે સૌએ કરવી પડશે. “બેટી બચાવો બેટી પઢાવો” ના અભિયાન થકી લોકોમાં તેની જાગૃત્તિ વધે તેવા હેતુથી આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઇન્ડીયન મેડીકલ એસોશીયેશનના પ્રમુખશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી, દહેજ પ્રતિબંધક સહ અધિકારીશ્રી પ્રિતેશ વસાવા, શ્રીમતી રીનાબેન પંડ્યા, ડૉ. શોભનાબેને “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન વિષયની વિગતે જાણકારી પુરી પાડી હતી.

આ પ્રસંગે વ્હાલી દિકરી યોજના અંતર્ગત પાંચ માતાઓને શાલ-સાડી એનાયત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં સારી કામગીરી કરવા બદલ ફીમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સ બહેનોને પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે “બેટી બચાવો બેટી પઢાવો” ની થીમ સાથે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે  શ્રી હિરેન. શર્મા અને સપ્તધારાની ટીમ દ્વારા પોપેટ શો નું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું અને અંતે “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત સહી ઝુંબેશની સાથે સામૂહિક શપથ લેવડાવામાં આવ્યાં હતા.

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!