ન્યાયપાલિકાને સો સો સલામ : સરકારમાં બેઠેલાઓ શરમ કરો…. શરમ કરો…!?

ન્યાયપાલિકાને સો સો સલામ : સરકારમાં બેઠેલાઓ શરમ કરો…. શરમ કરો…!?
Spread the love

દેશમાં છેલ્લા ઘણા સમયથી ન્યાયપાલિકા ઉપરના વિશ્વાસ લોકોમાં ડગમગી રહ્યો હતો….! અને તેમાં નિર્ભયા હત્યાકાંડ કેસમા ઉપરા છાપરી મુદતો પર મુદતો કોઈ પણ બહાને પડતાં લોકો વધુ શંકાશીલ બન્યા હતા….! તો રાજકીય કેસોમાં પણ મુદત પર મુદ્દતનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં ન્યાયપ્રણાલી ઉપર સવિશેષ સંદેહ પેદા થવા લાગ્યો હતો….! દેશભરના જે તે રાજ્યોમાં જે તે ગુનાઇત ઘટનામાં પોલીસની ભૂમિકાને લઈને આમ પ્રજામાં કાયદા અંગે અવિશ્વાસનું વાતાવરણ ફરી વળ્યુ હતું….!?

ત્યારે જ દેશની સર્વોચ્ચ અદાલતે દેશભરના રાજકીય પક્ષોને અપરાધી ઉમેદવારો અંગે નિર્દેશ આપતા લોકોમાં ન્યાયપાલિકા પ્રત્યે પુનઃ વિશ્વાસ પ્રતિપાદિત કરી દીધો છે. તો બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની ઝાટકણી કાઢવા સાથે એજીઆરની બાકી ચુકવણી કરી દેવાના આદેશ કરવા સાથે જે તે ટેલિકોમ કંપનીઓના એમડી,સીઇઓ અને ટેલીકોમ વિભાગના અધિકારીઓને સમન્સ ફટકારતા આમ પ્રજામાં ન્યાયપાલિકા પ્રત્યેના વિશ્વાસમાં અનેરી ઊર્જા ફરી વળી છે.

ઉપરાંત અદાલતના આદેશને ઘોળીને પી જનારા ઉચ્ચ અધિકારીની ખબર લઈ નાખતા આંખ લાલ કરી છે. તે સાથે કોર્ટે પોતાની વ્યથા દર્શાવતાસાથે પ્રશ્ન કર્યો કે આ દેશમાં કાયદા જેવું કંઈ છે ? શું કોર્ટ ને તાળું મારી દઈએ ? અને આ વાતનો પડઘો કેન્દ્ર સરકારમાં પડ્યો છે કેન્દ્ર સરકાર હાંફળી-ફાંફળી થઈ ગઈ છે… અને તેનું કારણ છે સુપ્રીમ કોર્ટે અગાઉ ટેલિકોમ કંપનીઓને એજીઆરના બાકી નાણાં ચૂકવી દેવા આદેશ કર્યો હતો પરંતુ ટેલીકોમ વિભાગના અધિકારીએ એવો પરિપત્ર કરેલ કે ટેલિકોમ કંપનીઓને કોર્ટે કરેલ આદેશનો અમલ કરવામાં એજીઆરની ચુકવણી કરવામા નહી આવે તો સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે… અને આ કારણે સુપ્રીમ કોર્ટ ખળભળી ગઇ હતી…. કારણ સુપ્રીમના આદેશનુ અવમાન હતું… અદાલતનુ અવમાન હતું…. એટલા માટે કોર્ટને કહેવું પડ્યું કે …શું કોર્ટને તાળૉ મારી દઈએ.? અને સરકાર આ કારણે જ ખળભળી ગઈ છે…..!!

રાજકીય પંડિતો અને કાયદા નિષ્ણાતોના કહેવા અનુસાર દેશભરની કંપનીઓને એજીઆર ચૂકવવામાં સરકારે જે રીતે સમય આપ્યો તે યોગ્ય ન હતું. કારણ આપણે દરેક લોકો કાયદાને માન આપીએ છીએ. અને જ્યારે અદાલત અને તેમાં પણ સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ ન કરાય તે કઈ રીતે ચલાવી શકાય…? એક તરફ સરકાર ખાનગી જીયો ટેલીકોમને મહત્વ આપે છે….! ત્યારે લોકોના પૈસે ઉભી કરવામાં આવેલ બીએસએનએલ કે જેની જમીનો 1 લાખ કરોડની છે, તેનું નેટવર્ક 8 લાખ કિલોમીટરમાં પથરાયેલું છે, તેના પાવર્સ 20 હજાર કરોડના છે, તેના ઓપ્ટિકલ ફાઇબર 64 હજાર કરોડના છે.

તેને વેચાણમાં મૂકી પરંતુ તેના એવા કોઈ ખરીદનાર ન હતા કે તેનુ પૂરું ચુકવણું કરી શકે….! તેની ખોટ માત્ર વીસ હજાર કરોડ હતી જે નગણ્ય કહેવાય… તેથી સરકારે ખરીદનાર ન મળતાં બીએસએનએલ અને એમટીએનએલ ને મર્જ કરવા સાથે રૂપિયા 68 હજાર કરોડ ફાળવ્યા હતા. અને આવી દેશભરમાં વિશાળ નેટવર્ક ધરાવતી બીએસએનએલને તેમા બેઠેલા ઉચ્ચાધિકારીઓ ખોટના ખાડામાં લઈ જઈ રહ્યા છે…..! સરકાર અને આવા અધિકારીઓ ખાનગી ટેલિકોમ કંપનીઓની તરફેણ કરે છે તેને પ્રોત્સાહન આપવા-સહાય કરવા તમામ રીતે તૈયાર રહે છે….!

અત્યારે બીએસએનએલને 5-જી થી તૈયાર કરી દેવું જોઈએ… પરંતુ સરકારને તેની પડી નથી…..! નહિ તો 4 જી સ્પેક્ટ્રમ માટે મંજૂરી આપી દીધી હોત. અને હવે 5-જી એ પહોચવાની જરૂર છે છતાં….. અરે ખુદ સરકાર ખાનગી કંપનીઓના નેટવર્ક મોબાઇલ વગેરેનો ઉપયોગ કરે છે તે શા માટે? દેશભરની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સહિત તેનો તમામ તંત્ર માટે બીએસએનએલ ફોન- નેટવર્ક ફરજિયાત કરી દે તો ખોટની વાત જ ન રહે…. અને એજીઆર ના નાણા આવી જાય..

આ નાણા તો ઠીક પરંતુ ખાનગી ટેલિકોમ કંપની જીયો બીએસએનએલ.ના મોટી સંખ્યામા ટાવરો વાપરે છે તેનું ભાડુ પણ આજદિન સુધી ચૂકવાયું નથી…. તેમાં સરકારે માથું મારવું જોઈએ તો ભારત સરકારની બીએસએનએલ અને એમટીએનએલ મોટો નફો કરતી થઇ જાય… પરંતુ સંચાલકો, વહીવટ કરનારા અને ટ્રસ્ટીઓની ઈચ્છા હોય તો જ…..!?

સુપ્રીમ કોર્ટે અપરાધીઓને ચૂંટણીમાં ટિકિટ ન આપવા સહિતના નિર્દેશ આપેલ છે પરંતુ ગુનાઈત સાંસદો, ધારાસભ્યો, નેતાઓ કે જેઓ ચૂંટાયેલ છે તેમના માટે કોઇ પ્રકારની પાબંધી કેમ નથી સચવાતી….?તેવા પ્રશ્નો આમ પ્રજા કરી રહી છે… આવા અપરાધી નેતાઓ માટે ખાસ લાર્જ બેચો ઊભી કરીને રોજેરોજ કેસો ચલાવી તેના ચુકાદા આપી દેવા જોઈએ…. જેથી આમ પ્રજામાં સારો અને સાચો સંદેશ જશે… તો રાજકીય પક્ષો પણ ગુનેગારોને ઉમેદવાર તરીકે ટીકીટ આપતા બંધ થશે…..!

આ માટે લોકોએ પણ જાગરૂકતા બતાવી પડશે અને એ પણ ચૂંટણી સમયે…. ત્યારેજ સારા પરિણામો મળશે….. બાકી અત્યારેતો 43% સાંસદો અપરાધી છે. જે સંસદમાં બેસે છે અને તેઓ દેશના લોકો માટેના કાયદા ઘડે છે…. તો હવે લોકો એ જ નક્કી કરવાનું છે કે કેવા લોકોને સાંસદ,ધારાસભ્ય,નગર સેવક તરીકે ચૂંટવા…..?!….

વંદે માતરમ…

(જીએનએસ : હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!