રૂઢિચુસ્ત સમાજમાંથી આવતા પાવીબેન આજે સમાજમાં રોલ મોડેલ બની ગયા છે

રૂઢિચુસ્ત સમાજમાંથી આવતા પાવીબેન આજે સમાજમાં રોલ મોડેલ બની ગયા છે
Spread the love

વડોદરા,
માત્ર ચાર ચોપડી ભણેલા પાવીબેન રબારીએ વારસાગત કળા-કસબને વ્યવસાયની એક નવી ઉંચાઈએ પહોંચાડ્યો

હાથ બનાવટની વિવધ પ્રકારની બેગમાંથી વાર્ષિક રૂા. ૨૫ લાખનું ટર્ન ઓવર કરે છે

૧૬૦ જેટલા બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે પાવીબેન રબારી
કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામના પાવીબેન રબારીએ વારસાગત-પરંપરાગત કળા-કસબને વ્યવસાયની એક નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે. માત્ર ચાર ચોપડી જેટલો અભ્યાસ કરેલા પાવીબેન હસ્તકળાની કલાત્મક વસ્તુઓ બનાવે છે. ખાસ કરીને વિવિધ પ્રકારની બેગ બનાવે છે જેમાં લેપટોપ, સ્કૂલ, બેગ અને મોબાઈલ-આઈ-પેડના કવર વગેરે હાથ બનાવટની વસ્તુઓનો સમાવેશ થાય છે. આજે તેમનું વાર્ષિક ટર્ન ઓવર ૨૫ લાખે પહોંચ્યું છે. સાથે જ ૧૬૦ જેટલી બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. પાવીબેન આજે સમાજમાં એક રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયા છે.
પાવીબેન પોતાના વ્યાવસાયિક સફરની વાત કરતા કહે છે કે, પહેલાં તો માત્ર તો ઘરની જરૂરિયાત પૂરતી અને નવરાશના સમયમાં આ હાથ બનાવટની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવતા હતા. બહુ તો દીકરી સાસરે જવાની હોય ત્યારે તેને ભેટ-સોગાત સ્વરૂપે આ વસ્તુઓ આપવામાં આવતી હતી. આ વસ્તુઓને વ્યવસાયિક ધોરણે વિકસાવવાનો ખ્યાલ નહતો. પરંતુ તેનો વેંચાણ માટે બજારનો અભાવ જોવા મળતો હતો. પણ આ માટે કારીગર ક્લીનીક સંસ્થાના શ્રી નીલેશભાઈ પ્રિયદર્શી અમારા સંપર્કમાં હતા. તેમણે અમારી ઘણી મદદ કરી. વેચાણ માટે જુદાં-જુદાં એક્ઝિબિશનના આયોજકો સાથે સંપર્ક કરાવ્યો. તેમને સેમ્પલ બતાવ્યા, જે તેમને પસંદ આવ્યા. જેથી આ રીતે હાથ બનાવટની વિવિધ વસ્તુઓનું વેચાણ વધવા લાગ્યું. આજે અમે વાર્ષિક ૨૫ લાખ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવીએ છીએ ! સાથે જ મારા ગામના ૬૦ બહેનો અને આસપાસના ગામોના ૧૦૦ બહેનોને રોજગારી પૂરી પડી રહ્યા છે.
પ્રારંભમાં આ વ્યવસાયમાં કુંટુંબમાં ૪-૫ સભ્યો જ આ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવતા હતા. બાદમાં જેમ જેમ અમારી ઓળખ ઉભી થતી ગઈ તેમ અમારી સાથે બહેનો જોડાવા લાગ્યા. આજે આ બહેનો મહિને ૧૦થી ૧૫ હજાર રૂપિયા જેટલી મહિને કમાણી કરી રહ્યા છે.
પાવીબેન રબારીને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બનેલા અને કારીગર ક્લીનીકના સંસ્થાપક અને સીઈઓ શ્રી નિલેશભાઈ પ્રિયદર્શી કહે છે કે, પાવીબેન એક રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે ત્યારે એક મહિલા તરીકે તેમને ઘરની બહાર નીકળવામાં ઘણી તકલીફોનો શરૂઆતમાં સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમના પતિશ્રીએ તેમને આ વ્યવસાયમાં આગળ વધવામાં ખૂબ મદદ કરી અને પોતે પણ પાવીબેનને સહકાર આપવા પોતાની નોકરી છોડી દીધી હતી.
પાવીબેન ઘણી તકલીફો બાદ આજે સમાજમાં એક રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. સામાજિક મેળાવડામાં તેમને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. આમ, આજે તેમનો સામાજિક માન-મોભો અલગ જ બની ગયો છે. આજે ઓનલાઈન ઓર્ડરના માધ્યમથી આ હાથ બનાવટની વસ્તુઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવામાં દેશમાં કુરિયરથી મોકલે છે.
નિલેશભાઈ પ્રિયદર્શીએ કારીગર ક્લીનીક નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ હતુ. જે નાના કારીગરો અને હસ્તકળાના સાથે સંકળાયેલા કારીગરોને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા, તેમના ઉત્પાદનોનું માર્કેટીંગ કરવા અને બજાર ઉપલબ્ધ કરાવવામાં સેવા પૂરી પાડે છે. તાજેતરમાં નિલેશભાઈની આ સેવાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે રૂા. ૧૨ લાખની રાશિ અર્પણ કરી સ્ટાર્ટ અપ એવોર્ડથી નવાજિત કર્યા હતા.
વડોદરાની હોટલ સૂર્યા પેલેસ ખાતે ક્રાફ્ટરૂટ્સ સંસ્થા દ્વારા આયોજિત હસ્તકળા પ્રદર્શનીમાં પાવીબેન વિવિધ વસ્તુઓ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!