ભરૂચ ખાતે પોષણ અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને દત્તક લેવાની પહેલ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક
ભરૂચ,
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ અંતર્ગત કુપોષિત બાળકોની દત્તક લેવાની પહેલ અંગે પ્રારંભિક ચર્ચા સભાનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, આઈસીડીએસ અધિકારી કોમલબેન, જિલ્લાના સીએસઆર યુનિટના પ્રતિનિધિશ્રીઓ, ભરૂચ જિલ્લાના કુલ ૬૨ ઉદ્યોગોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા અર્થે ભરૂચ સ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે એક PPT પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ પોષણ અભિયાન કોઇ એક વિભાગની નહિ, પરંતુ આપ સૌની સહિયારી જવાબદારી છે, જનભાગીદારી ધ્વારા બાળકોના પાલક વાલી બની અને બાળકને કુપોષિતમાંથી તંદુરસ્ત બનાવીએ તેવી અપીલ ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને કરી હતી અને આ અંગેનું જરૂરી પ્લાનીંગ કરવા પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયને પાલક વાલી તરીકે જોડાવવા સૌને અનુરોધ કર્યો હતો. આઈસીડીએસ અધિકારી કોમલબેને પોષણ અભિયાનની વિસ્તૃત માહિતી આપી હતી.