પત્રકારોની સુરક્ષા માટે પ્રદિપસિંહ જાડેજાએ આપી ખાતરી

પત્રકારોની સુરક્ષા માટે પ્રદિપસિંહ જાડેજાએ આપી ખાતરી
Spread the love

ગાંધીનગર, તા. 15
પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમ જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી.
ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો પદ્મકાંત ત્રિવેદી, ડૉ. હરિ દેસાઈ, ડૉ. ધીમંત પુરોહિત, દિલીપ પટેલ, અભિજિત ભટ્ટ, દર્શના જમીનદાર અને ગૌરાંગ પંડ્યા દ્વારા પત્રકારોની સુરક્ષા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત પત્રકાર સુરક્ષા અને વેલફેર મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી. પત્રકારોની સુરક્ષા અને વેલફેર મામલે પત્રકાર અકાદમી સક્રિય કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર સ્વ. ચિરાગ પટેલના અપમૃત્યુ મામલે ગૃહ રાજ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાથે પત્રકાર સુરક્ષા સમિતિની એક બેઠક તાકિદે યોજવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રીને આપવામાં આવેલા આવેદન પત્રમાં પત્રકારોની સલામતીની બાબતમાં ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો અને સૂચનોની રજુઆત કરવામાં આવી હતી તે આ મુજબ હતી
૧) પત્રકારોને વિશ્વાસમાં લઇ પત્રકારોની સલામતી માટે “પત્રકાર સુરક્ષા કાયદો” બનાવવામાં સરકારશ્રી તાત્કાલિક ધોરણે સક્રિયતા દાખવે.
૨) પત્રકારોની સલામતીની બાબતમાં યોગ્ય પગલાં લેવા માટે ૧૫ સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી.
૩) ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલની હત્યા માટે તત્કાળ પગલાં ભરવા સરકારને જણાવવું.
૪) પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાડીને પોતાની ફરજ બજાવતા પત્રકારોને આતંકિત કરવા માટે કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાં રૂકાવટ, બનાવટી પોલીસના પત્રકારો સામે કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે.
૫) ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે.
૬) મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે.
૭) જ્યારે પણ હુમલા થાય ત્યારે સંબંધિત પત્રકાર એકલા નથી, એવું ન લાગે તે માટે મદદ કરી શકે એવી કાયમી સમિતિ બનાવવી.
૮) દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી. જે રાજ્ય કક્ષાની સંકલન સમિતિ સાથે રહી સ્થાનિક સત્તાધીશો સમક્ષ પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની માંગણી કરે, જેમાં સરકારી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓને લેખિતમાં માંગણી કરે જે ૧૫ સભ્યોની રાજ્ય સંકલન સમિતિને જાણ કરે.
૯) દરેક જિલ્લાની પોલીસ એડવાઈઝરી કમિટીમાં એક પત્રકાર-પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે. તેમજ રાજ્ય કક્ષાએ પણ આવી સમિતિ બને અને એમાં પત્રકારોને પ્રતિનિધિત્વ મળે.
૧૦) એક્રેડિટેડ અને નોન-એક્રેડિટેડ પત્રકારોને વીમા યોજનામાં સામેલ કરવામાં આવે અને વીમાની રકમ વધારીને રૂપિયા ૫ લાખ કરવામાં આવે.
૧૧) સૌ પત્રકારોને “મા વાત્સલ્ય યોજના”નો લાભ મેળવવામાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરવામાં આવે.
રાજ્યના પત્રકારોની ઉપરોક્ત ભાવનાનો આદર કરીને આપ વ્યક્તિગત રસ લઈને યોગ્ય અને તાકીદની નક્કર કાર્યવાહી કરો એવી અપેક્ષા કરીએ છીએ. એ કામકાજમાં અને પત્રકારોના હિતમાં આપ જે પહેલ કરો એમાં અમો સહકાર આપવા તૈયાર છીએ.ગુજરાતમાં પત્રકારોમાં રહેલી અસલામતીની ભાવના દૂર કરવામાં આપણે સૌ કટિબદ્ધ બનીએ.

Admin

Admin

9909969099
Right Click Disabled!