370 નું દફન : અપેક્ષાઓ અને દહેશત

370 નું દફન : અપેક્ષાઓ અને દહેશત
Spread the love

– તખુભાઈ સાંડસુર

છેલ્લા એકાદ સપ્તાહથી ચાલી રહેલી કાશ્મીરી અફડાતફડીના પરિણામનો દિવસ પાંચમી ઓગસ્ટે આવી ગયો. મોદી સરકારે ઐતિહાસિક હથોડો મારી “કાશ્મીરની 370″નો ભૂક્કો કરી તેના વિરોધીઓને પણ પ્રશંસાના પુષ્પો ચડાવવા મજબુર કર્યા. સોશિયલ મીડિયા,માધ્યમોમાં સરકાર પર અભિનંદન વર્ષા સહજ,સ્વાભાવિક છે.
બંધારણની કલમ ૩૭૦ કાશ્મીરને એક વિશેષ અધિકાર આપતી હતી. જેમાં તે રાજ્યને સ્વાયતતા આપવામાં આવેલી. તેનો બંધારણીય દુરોપયોગ કરીને કેટલાંક લોકોએ રાજ્યને એક સીમિત દાયરામાં રાખવાની કોશિશ કરી.જેથી તેમના રાજનૈતિક નેતૃત્વની દુકાન ચાલતી રહે.

એટલું જ નહી ત્યાંનો આમ માણસ પણ સતત એવું વિચારતો રહ્યો કે પોતે ભારતીય નથી, પરંતુ કશ્મીરી છે. તે ભારતીયથી અલગ છે માટે ભારતનું લશ્કર, સંવિધાન વગેરેને અનુસરતો ક્યારેય જોવા મળ્યો નથી.જેથી ત્યાંના બહુમત મુસ્લિમ પ્રજાજનોની ગળથુથીમાં ભારત વિરોધી સુર,વિચાર ઓગાળી દેવામાં આવેલો પોતાનું શ્રેય ભારતમાં નથી પરંતુ પાકિસ્તાન કે અન્ય પ્રદેશોમાં કે સ્વતંત્ર કાશ્મીરમાં છે. તેવી માન્યતા યુવાધનના મનમાં સતત ગાઢ બનતી રહી છે. જેથી તેઓ ભારતીય મુખ્યધારામાં આવવાના બદલે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિમાં સતત રમમાણ રહેતાં હતાં.

જેથી વધુને વધુ આતંકી પ્રવૃત્તિને બળ મળવા લાગ્યુ. એક અંદાજ મુજબ કશ્મીરની સમસ્યામાં આઝાદીથી સાંપ્રતકાળ સુધીમાં એક લાખથી પણ વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ ચૂકી છે. રોજ આપણાં જવાનોના માથાં કાચલીઓની જેમ ફુટી રહ્યા છે. ક્યાં સુધી આ બધી પ્રવૃત્તિ ચાલતી રહે ? ક્યાંક તો તેના અંત માટે કોઇકે તો પહેલ કરવી પડે!  તે મોદી સરકારે 370 ને રદ કરીને એક મહા નિણર્ય લઈને પોતાની ઐતિહાસિક  રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા જાહેર કરી છે.  370 ને રદ કરી બીજો કોરડો વિજ્યો જમ્મુ કાશ્મીર તથા લડાખને અલગ યુનિયન ટેરિટરી જાહેર કરીને. ભારત સરકારે આતંકી પ્રવૃત્તિ ને જડમૂળમાંથી નાબૂદ કરવા પહેલ કરી છે. તેમ કહેવું ભૂલભરેલું નથી કારણકે હવેથી રાજ્યના આંતરિક સલામતીના વિષયને કેન્દ્રશાસિત ગણીને તેમની સીધી દેખરેખ દિલ્હીથી થશે.જેથી રાજ્ય સરકાર દ્વારા અપનાવાતી રહેલી આતંકીઓ સાથેની મખમલી ઋજુતા ખત્મ થશે.

રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને મળી રહેલી રાજકીય પનાહ ની કમર તૂટી જશે. જેથી આતંકી પ્રવૃત્તિઓ પુર્ણવિરામ તરફ ગતિ કરશે. કાશ્મીર છોડી ગયેલા નિરાશ્રિતોનુ પુનઃસ્થાપનની પણ પહેલ થાય તો આશ્ચર્યજનક નહીં ગણાય. સમગ્ર દેશ એકતાંતણે બંધાવવાથી અલગ અલગ નાગરિકતાના ધારાધોરણોના કાયદાઓનો અંત આવ્યો. માલમિલકત, પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સૌ માટે વિપુલ સમાન તક પ્રાપ્ત થશે.પરિણામે પ્રવાસન ઉદ્યોગ, આંતરમાળખાકીય ઉદ્યોગો અન્ય રાજ્યોના ઉદ્યોગસાહસિકોને પણ અહીં તકો મળવાની સંભાવના છે જેથી રાજ્યમાં રોજગાર ,ઉદ્યોગ, સેવા વગેરેના ક્ષેત્રોમાં નવી તકોનું નિર્માણ છે. કાશ્મીર પુનઃ એક નવી રફતારથી દોડતું થશે. જે યુવાધન ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ હતું તે ફરી રચનાત્મક દિશામાં જોતરાઈ જશે.

કાશ્મીરમાં સાંપ્રત સ્થિતિ સંપૂર્ણ બંદૂકના નાળચા હેઠળ કાબૂમાં છે .પરંતુ જેવા લોકોને ઘરની બહાર કાઢવામાં આવશે ત્યારે તેની પ્રતિક્રિયા થોડા સમય માટે આક્રોશયુક્ત હોઈ શકે. તે કેટલી લાંબા સમય સુધી ચાલે છે, ભારત સરકાર પોતે કરેલા નિર્ણય લોકભોગ્ય બનાવવા કેવાં પગલાં લે છે તેના પર નિભૅર છે,રહેશે! પણ ક્યાંક તો કોઇકે તો ડગ માંડવા પડે તે મોદીજી એ કર્યું. રાજકીય પક્ષો પોતાની વોટબેંકના આધારે પોતાની પપુડી વગાડે છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ આ મુદ્દાને આઘાતજનક ગણાવી નારાજગી વ્યક્ત કરી. હવે પાકિસ્તાનના પ્રજાજનોનો લોકમત ઇમરાન ખાન વિરુદ્ધ માં ઉભો થતો જોઈ શકાય એવું પણ બને.જેથી તે લોકમતને ધ્યાનમાં રાખી, પાકિસ્તાન ભારત વિરોધી ગુસ્તાખીઓને અંજામ આપવા વધુ સતેજ થાય !? ?

હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે પોતાના પગલાંને યોગ્ય ઠેરવવા  વધું મશ્કત કરવી પડશે એવું જણાય છે. પણ લોંગ ટમૅ ગેઈનનો ખ્યાલ તો સમય જ આપી શકે !

Admin

Admin

9909969099
Right Click Disabled!