માંગરોળના વાંકલ ખાતે અદ્યતન સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ

માંગરોળના વાંકલ ખાતે અદ્યતન સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ
Spread the love

સુરત,
‘‘માંગરોળ અને ઉમરપાડામાં શાળા-કોલેજો, છાત્રાલયો જેવી અનેકવિધ શિક્ષણસંસ્થાઓનું નિર્માણ કરી આ વિસ્તારને ‘મિનિ વિદ્યાનગર બનાવવાનું સપનું સાકાર થઇ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ શહેરોની સમકક્ષ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે અનેક શાળાઓ, છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાંકલનું સરકારી કન્યા છાત્રાલય જનરેટર ધરાવતું હોય તેવું રાજ્યનું પહેલું છાત્રાલય છે. ૩૨૫ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતું કન્યા છાત્રાલય કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક પગલું છે.’’ એમ માંગરોળ તાલુકાના વાંકલ ખાતે નવનિર્મિત અદ્યતન સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે વાંકલ સાયન્સ કોલેજમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિભાગનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું. જેમાં એમ.એસ.સી.-ઓર્ગેનિક કેમેસ્ટ્રી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રીએ કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા.

છાત્રાલય કેમ્પસમાં આયોજિત લોકાર્પણ સમારોહમાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા ૨૪ કલાક વીજળી, પાકી સડકો, શાળાઓ-છાત્રાલયોની સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રી વસાવાએ યાદ કરાવ્યું કે, ભૂતકાળની સરકારમાં ‘લાગવગ એ જ લાયકાત’ની પ્રથા હતી, જયારે વર્તમાન સરકારે લાગવગશાહીને ભૂતકાળ બનાવી દીધી છે. જેના પરિણામે ગરીબ-મધ્યમવર્ગીય યુવાનો-બાળકો પોતાના અધિકારોથી વંચિત ન રહેતા તેમને શિક્ષણ અને નોકરીમાં સમાન તકો મળી છે. આ સરકારે વ્યક્તિ અને પક્ષને બદલે સમાજ અને દેશહિતને અગ્રસ્થાને રાખ્યું છે એમ તેમણે ગૌરવથી જણાવ્યું હતું.

રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે છેવાડાના ગામડાઓમાં વિકાસકાર્યોને વેગ આપીને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, હાલ રાજ્યમાં ૪૪ આદર્શ નિવાસી શાળા કાર્યરત છે, ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે નવી ૨૪ આદર્શ નિવાસી શાળા નિર્માણ પામશે. રાજ્યમાં નવી પાંચ એકલવ્ય મોડેલ શાળાઓ પૈકી માંગરોળ તાલુકામાં એક અંગ્રેજી માધ્યમની એકલવ્ય શાળા સ્થપાશે. વર્ષ ૧૯૯૧માં રાજ્યના આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ માત્ર ૩૦ ટકા હતું, વર્ષ ૨૦૧૧ના સર્વે પ્રમાણે શિક્ષણનું પ્રમાણ ૪૯ ટકા થયું છે, પરંતુ આગામી વર્ષ ૨૦૨૧ના સર્વેમાં શિક્ષણનું પ્રમાણ ૮૦ ટકા સુધી પહોંચી જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આઝાદીના ૬૦ વર્ષમાં કોઈ સરકારે આદિજાતિ વિસ્તારમાં એક પણ સાયન્સ સ્કૂલ આપી નહોતી એ સ્થિતિનો ચિતાર આપતા શ્રી વસાવાએ જણાવ્યું કે, વર્તમાન સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ બાવન આદિવાસી તાલુકામાં સાયન્સ કોલેજનું નિર્માણ કરી આદિવાસીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સરકારે છેલ્લાં દાયકામાં ૧૧ માધ્યમિક શાળાઓ અને ૪ કોલેજોનું નિર્માણ કરી માંગરોળ વિધાનસભા વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે કાયાપલટ કરી છે. પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં આદિવાસી ક્વોટાની એક પણ સીટ ખાલી ન રહેતી હોવાનું તેમણે ગર્વભેર જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સુશિક્ષિત બની પરિવાર અને સમાજની ઉન્નતિના વાહક બનવાનો અનુરોધ કર્યો હતો. દિકરા-દિકરીના ભેદભાવ ન કરતાં તેમના સમાન શિક્ષણની હિમાયત કરી પ્રગતિના પંથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. શાળા કોલેજો, છાત્રાલયો આપણા સમાજના ઘરેણા છે, જેને સ્વચ્છ અને સુરક્ષિત રાખી તેમની ગરિમા જાળવવાનો પણ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.  આ વેળાએ છાત્રાલયના પટાંગણમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી રંજિથ કુમાર, આદિજાતિ વિભાગ, સુરતના મદદનીશ કમિશનરશ્રી એસ.એમ.ગરાસિયા, બાળ સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી હર્ષદ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી એ.કે.બારીયા, પ્રાયોજના વહીવટદારશ્રી ભરાડા, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રિતેશ વસાવા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ- નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!