બોટાદમાં અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ તથા વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપક્રમે વચનામૃત ગ્રંથની પોથીયાત્રા

બોટાદમાં અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ તથા વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપક્રમે વચનામૃત ગ્રંથની પોથીયાત્રા
Spread the love
  • બોટાદના રાજમાર્ગો પર નિકળેલ પોથીયાત્રા શોભાયાત્રા દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બની

 

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

 ગરવી ગુજરાતનો નૂતન જિલ્લો બોટાદ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા શ્રીજી સમકાલીન નંદ સંતોના પુનિત પદરજથી અનેકવાર પાવન બનેલો છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં પધાર્યા તેને ચાલુ સાલે બસ્સો વર્ષ પૂર્ણ થયાં છે. બોટાદના ભકતજનોમાં નગરશેઠ ભગા દોશી તેમના સુપુત્ર શિવલાલભાઈ, સોમલા ખાચર, હમીર ખાચર, દાહા ખાચર, ભગવાનભાઇ પટેલ, મૂળચંદ પારેખ, મોના પંડ્યા, હિરાચંદ કેશવલાલ, ચકુભાઈ, રામચંદભાઈ, ધનજી સોની, નારણભાઈ, તુલસીદાસ, વાઘજીભાઇ, પુંજાભાઈ, રૂડાભાઈ, ભીખાભાઈ સુથાર, લાધાભાઇ ભાવસાર, દરજી, કણબી,  લુહાર, કેટલાક સથવારા, એક મુસ્તફા નામે મુસલમાન સિપાઈ વગેરે અનેક હરિભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં થઈ ગયા છે.

આવી પ્રાસાદિક ભૂમિમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજીબાપશ્રી શતામૃત મહોત્સવના ઉપક્રમે ગ્રંથ રાજ વચનામૃતની પોથીયાત્રા – શોભાયાત્રા યોજવામાં આવી હતી. બોટાદના રાજમાર્ગો પર આ અનેરી પોથીયાત્રા શોભાયાત્રા સૌ કોઈ દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

પોથીયાત્રામાં કલાત્મક રથમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ બિરાજી સૌ કોઈને દર્શનદાન આપી રહ્યા હતા. પૂજનીય સંતો અને હરિભક્તો વચનામૃત ગ્રંથને પોતાના હસ્તમાં લઈને નગરયાત્રા – શોભાયાત્રામાં શ્રી હરિનું સ્મરણ કરતા ચાલતા હતા. શ્રી સ્વામિનારાયણ  છાત્રાલયના બોટાદ વિસ્તારના વિદ્યાર્થીઓ ગણવેશમાં સજ્જ થઈને હાથમાં શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકારતા હતા. તો વળી, કર્મયોગી બહેનો શિરમોડ ગ્રંથ વચનામૃતને  મસ્તક પર ધારણ કરીને કિર્તનગાન કરતા નગરયાત્રાને અનુસરતા હતાં.

સમગ્ર બોટાદ નગરના રાજમાર્ગો પર  ગ્રંથ રાજ વચનામૃતની પોથીયાત્રા – શોભાયાત્રા દર્શનદાન અર્પી સભા સ્થાને પૂર્ણ થઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી વચનામૃત ગ્રંથનું પૂજન-અર્ચન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોની પૂર્ણાહુતિ પ્રસંગે આશીર્વાદામૃતનું પાન કરાવ્યું હતું. વળી, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ચાલતા માનવસેવા અભિયાન અંતર્ગત વિધવા, ત્યકતા, જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ સંચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના તે તે વિસ્તારોમાંથી અનેક હરિભક્તો ઉમટ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!