મધરાતે ઘરમાં ચોરી કરવા ત્રાટકેલા ચોરને રહીશોએ મેથીપાક ચખાડ્યો
સુરત,
સુરત શહેરના ન્યુ સીટીલાઇટ રોડ વિસ્તારની આર્શીવાદ વીલા સોસાયટીમાં વહેલી સવારે ચોરી કરવા ત્રાટકેલા ચોરને સોસાયટીની રહીશોએ ઝડપી પાડી માર મારી ખટોદરા પોલીસને હવાલે કર્યો હતો. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બંધ ઘરની બારીની ગ્રીલ તોડવાનો પ્રયાસ ચોર કરી રહ્યો હતો ત્યારે અવાજ આવતા પડોશીઓ જાગી ગયા હતા અને ચોર-ચોરની બુમરાણ મચાવતા અન્ય પડોશીઓ પણ જાગી ગયા હતા અને બારીની ગ્રીલ તોડવાનો પ્રયાસ કરી રહેલા ચોરને ઝડપી પાડયો હતો. જેની જાણ પડોશીઓએ મનોજ બગ્ગાને કરતા તેઓ તુરંત જ દોડી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ખટોદરા પોલીસ દોડી આવી હતી.
પોલીસ પહોંચે તે પહેલા સોસાયટીના રહીશોએ ચોરને સારો એવો મેથીપાક આપ્યો હતો. પોલીસે ચોરને પોતાના કબ્જામાં લઇ પુછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમંદ રફીક મસ્જીદ શેખ (રહે. રૂમ નં. ૫૧, લાલ મીટ્ટી ચાલ, રેક્લમેશન રોડ, લીલાવતી હોÂસ્પટલની બાજુમાં, બાંદ્રા, મુંબઇ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોહમંદ રફીક પાસેથી એક બેગ કબ્જે લીધી હતી જેમાં ચોરી કરવા માટેના સાધનો જેવા કે નાનું ગણેશીયુ, પેચીયુ અને બારીની ગ્રીલ તોડવા માટેના અન્ય સાધનો પણ હતા.