સંસ્કૃત માત્ર ભાષા નથી જીવન દર્શન છે એ ઈશ્વરીય જ્ઞાનની ભાષા છે….

સંસ્કૃત માત્ર ભાષા નથી જીવન દર્શન છે એ ઈશ્વરીય જ્ઞાનની ભાષા છે….
Spread the love

વડોદરા,
વિશ્વનું પ્રથમ પુસ્તક વેદ સંસ્કૃત ભાષામાં છે, સંસ્કૃત માત્ર ભાષા નથી એ જીવન દર્શન છે, ઈશ્વરીય જ્ઞાનની ભાષા છે એવી લાગણી વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, સંસ્કૃત ભાષાના અગાધ જ્ઞાન ભંડારમાં વિશ્વવ્યાપી સમરસતા કેળવવાની અને આતંકવાદનો અંત આણવાની તાકાત છે. સંસ્કૃત દેવોને પ્રિય ભાષા છે જે ખૂબ સહજ રીતે માનવીય મૂલ્યો શીખવાડે છે, માનવીનું ઘડતર કરે છે અને માનવીને સહજ, સરળ, દયાળુ, સહિષ્ણુ બનાવે છે અને સહુનો આદર કરતા શીખવે છે.

રાજ્યપાલશ્રી આજે પ્રથમવાર સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા. એમણે મ.સ.વિશ્વ વિદ્યાલય દ્વારા સંસ્કૃતને લોક જીવન સાથે જોડવા શરૂ કરવામાં આવેલા સંસ્કૃત વાર્તાલાપ શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી-સંસ્કૃત અકાદમી દ્વારા પ્રકાશિત સયાજી ગૌરવ મહા કાવ્યમ અને સંસ્કૃત વાર્તાલાપ કેન્દ્રની માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું તેમજ સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત સંસ્કૃત મહા સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તમામ કાર્યક્રમોનું આયોજન મ.સ.વિશ્વ વિદ્યાલય,સંસ્કૃત ભારતી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરની પ્રથમ મુલાકાતની તક દેવભાષા સંસ્કૃતના કારણે મળી એનો એમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને વિશ્વ ભાષા જનની, કોમ્પ્યુટર માટે સર્વાધિક સાનુકૂળ સંસ્કૃતના સમર્પિત પ્રચારકોને બિરદાવ્યા હતા.

કુટિલ નીતિ વાળા અંગ્રેજોએ ભારતના લોકોને પોતાના અગાધ જ્ઞાન ભંડારથી વંચિત રાખવા, અભણ અને અશિક્ષિત રાખવા સંસ્કૃતને કોરાણે રાખી અંગ્રેજીને કમાણીની અને વ્યવહારની ભાષા બનાવી એવી લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, અંગ્રેજીમાં અપાતા શિક્ષણથી ભયભીત થઈને શિક્ષણ છોડી દેનારા અર્ધ શિક્ષિત યુવાનો વૈભવી મોટર ગાડીઓને પળ વારમાં દુરસ્ત કરી શકે છે. એ દર્શાવે છે કે, જો દેશની મૂળ ભાષા સંસ્કૃત, શિક્ષણની ભાષા તરીકે જળવાઈ હોત તો આજે દેશના પ્રત્યેક ઘરમાં નિપુણ ઇજનેરો હોત. રાજ્યપાલશ્રીએ મહર્ષિ મનુ અને વેદમંત્રોને ટાંકતા જણાવ્યું કે, જે સંસ્કૃત જાણે એ જ ભારતની સંસ્કૃતિ, પરંપરા અને દર્શનને જાણી, માણી અને સમજી શકે. સંસ્કૃત પૂર્ણ ભાષા છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે પુનઃઆપના પોતાના ભાષા ભંડાર તરફ વળવા અનુરોધ કર્યો હતો.
સયાજીરાવ મહારાજે સો વર્ષ પહેલાં સંસ્કૃત મહા વિદ્યાલયની સ્થાપના કરી એની યાદ અપાવતા મ.સ.વિશ્વ વિદ્યાલયના કુલમાતા-રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે જણાવ્યું કે, આ મહાવિદ્યાલયને ફરીથી ધમધમતું કરવા મ.સ. વિશ્વવિદ્યાલયે એને સ્વતંત્ર ૧૫મી વિદ્યાશાખા તરીકે માન્યતા આપી છે. યુનિવર્સીટીના આ ઠરાવને સત્વરે રાજ્ય સરકારનું અનુમોદન મળે એ માટે રાજ્યપાલશ્રીને મદદરૂપ બનવા એમણે વિનંતી કરી હતી.

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, સંસ્કૃત્ત અકાદમીએ સંસ્કૃત્ત ભાષાનો પ્રસાર કરે છે, સંસ્કૃત્ત ભાષાના માધ્યમથી રાષ્ટ્રની ચેતના ઉજાગર કરવા સહિતના કાર્યો કરે છે. સાંપ્રત સાથે સંસ્કૃત્તને જોડવામાં આવે છે. ગુજરાત રાજય સંસ્કૃત્ત વિદ્વતાથી પરિચિત હોવાનું જણાવતા શ્રી પંડ્યાએ શ્યામજી કૃષ્ણ વર્મા, સ્વામી દયાનંદ સરસ્વતી, આચાર્ય આનંદશંકર ધ્રુવ, યહૂદી મહિલા ડૉ.એસ્થર અને કે.કા.શાસ્ત્રી સહિતના મહાનુભાવોના સ્મરણો તાજા કરી તેમના દ્રષ્ટાંતો રજૂ કરતા ઉમેર્યું કે, ગુજરાતમાં સંસ્કૃત અભિયાન માટે શ્રેષ્ઠ કાર્યો થયા છે.  વડોદરા જિલ્લાના પૂર્વ કલેકટર શ્રી ભાગ્યેશ જ્હાંએ સંસ્કૃતમાં મનનીય પ્રવચન આપતા કહ્યંત કે, સયાજીરાવની ફરજિયાત શિક્ષણ નીતિને લીધે ગાયકવાડી રાજયોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું. વિશ્વામિત્રી નદીએ વડોદરાની ઓળખસમી છે. તેમણે સયાજીરાવ ગાયકવાડની શિક્ષણ નીતિઓના સંસ્મરણો તાજા કરી વડોદરા સંસ્કારી નગરી છે ત્યારે સંસ્કૃતને પ્રોત્સાહિત કરવાની જવાબદારી વડોદરાની હોવાનું જણાવ્યું હતું. રાજયપાલશ્રી, દેવવ્રત આચાર્યજી સંસ્કૃત્ત ભાષાના સંરક્ષક છે. એવી લાગણી વક્ત કરી.

દિનેશ કામતે જણાવ્યું કે, સંસ્કૃત્ત ભાષા વિના આયુર્વેદ અને યોગનો અભ્યાસ શક્ય નથી . ભારતીય સંસ્કૃતિમાં નામકરણએ એક સંસ્કાર છે, ત્યારે નામનો અર્થ જાણવા પણ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. બોલવામાં ન આવે ત્યાં સુધી ભાષા મૃતઃપ્રાય થાય છે. સંસ્કૃત ભાષાના વ્યાપને વધારવામાં સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો. ભારતની ૧૨૭ યુનિવર્સિટીમાં અને વિશ્વના પ૩ દેશોની ૨૫૪ યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવે છે.  શ્રી કામતે વધુમાં કહ્યું કે, સંસ્કૃતનો અભ્યાસ નથી કરતા એ પ્રત્યેક ભારતીય પરંપરાનું અપમાન છે. સંસ્કૃત ભાષાને ભારતમાં આગળ લાવવી તે દરેક ભારતીયનું કર્તવ્ય છે. થોડા-થોડાં પગલાઓથી હિમાલયનું ચઢાણ થઈ શકતું હોય છે ત્યારે દરરોજ થોડો સમય ફાળવીને સંસ્કૃત શીખી શકાય છે.

શાબ્દિક સ્વાગત કરતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ શ્રી પરિમલ વ્યાસે જણાવ્યું કે, સંસ્કૃત્ત ભાષા એ ભારતની મૂળ ભાષા છે. તેને ઘર-ઘર સુધી લઈ જવા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે સ્પોકન સંસ્કૃત વર્ગની શરૂઆત થઈ રહી છે તે ગૌરવપ્રદ છે. એમ.એસ. યુનિવર્સિટી ખાતેનું સંસ્કૃત વિદ્યાલય સૌથી જૂનું છે ત્યારે ખુશીની વાત છે કે, તેને અલગ ભવન બનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સીમાબેન મોહિલે, શ્રી કેતન પટેલ, સંસ્કૃત મહાવિદ્યાલય અને એમ.એસ. યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!