રૂપાણી સરકારનો “પાક વિમો”….મૃગજળના આટાપાટા….!!

રૂપાણી સરકારનો “પાક વિમો”….મૃગજળના આટાપાટા….!!

ન મળે ઉંડાણ કે ન મળે તળિયું…..!

ભારત દેશ 70 ટકા ખેતી પ્રધાન દેશ ગણાય છે.ત્યારે આ દેશમાં સૌથી વધારે ખરાબ હાલત પણ ખેડૂતોની જ છે દેશના સંચાલકો એ ભૂલી ગયા કે આ દેશ ખેતી પ્રધાન છે અને અમારે એ રીતે કામગીરી કરવી જોઈએ કે જેથી વધુમાં વધુ ફાયદો ખેડૂતોને થાય પરંતુ આ સરકારમાં તો ખેડૂતો સાઈડ લાઇન થઇ રહયા હોય તેવું દેખાઈ રહયું છે..! આ દેશમાં ખેડૂતોની હાલત કફોળી બનતી ગઈ છે અને ઉદ્યોગપતિઓને ઘી કેળા હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે, ભારત દેશમાં ખેતીનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે અને તે આવનાર સમય માટે મોટો ચિંતાનો વિષય બની રહેશે..! પરંતુ આ સરકારમાં ખેડૂતોનો આવાજ દબાઇ ગયો છે..

ખેડૂતો મહામહનેત કરી પાક પકવતા હોય છે પરંતુ જ્યારે કુદરત રૂઠે છે ત્યારે તે ભયંકર મુશ્કેલીમાં મુકાતો હોય છે અને આવા સમયે સરકાર કંઈક લાભ કરશે તેવી આશા રાખતો હોય છે, અને આ આશા ઉપર સરકાર પાણી ફેરવી નાખે છે. લોકસભાના ઈલેક્શન સમયે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે જે ખેડૂતોને પાક નુકશાન થયું હશે તેમને સરકાર વળતર ચૂકવશે અને ત્રણ ત્રણ મહિને 2000 હજાર રૂપિયા પોતાના ખાતામાં સીધા જમા થઈ જશે.

મોદી સાહેબે નિયમ તો લગાવી દીધો અને રજય સરકારે સર્વે કરવાની કામગીરી ચાલુ પણ કરી દીધી, પરંતુ આ લાભ આંગળીના વેઢે ગણાય એટલા ખેડૂતોને મળ્યો છે, આજની તારીખે પણ આ લાભ મેળવવા લોકો કચેરીએ ધક્કા ખાતા જોવા મળે છે, આ ખેડૂતોને નિરાશા સિવાય કાંઇ હાથ નથી લાગતું. સરકારે શુ ખેડૂતોના વોટ લેવા માટે લોલીપોપ આપી હતી..? કેમ આજે 8 મહિના જેટલો સમય થઈ ગયો છતા પણ ખેડૂતો લાભ માટે વંચિત છે..? સરકારને જો ખરેખર ખેડૂતની ચિતા હોય ને તો અત્યાર સુધી કોઈ ખેડૂત વળતરથી વંચિત ના હોય..!

આ વર્ષે ગુજરાતમાં વરસાદ અતિશય થવાને કારણે પણ ખેડૂતોના પાકને અતિશય નુકશાન થયું છે ત્યારે હવે રાજય સરકાર બુમો પાડે છે કે ખેડૂતોના પાક નુકશાનનું સર્વે કરી વળતર ચુકવવામાં આવશે પરંતુ સરકાર જુલાઈ ઓગસ્ટમાં જે ખેડૂતોને પાક નુકશાન થયું છે તેનું આજ સુધી વળતર ચુકવવામાં નિષ્ફળ નીવડી છે, ત્યારે હવે કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રોવાળાવ્યા છે ત્યારે હવે સરકારે ફરી સૂચના આપી છે કે સર્વે કરી પાકવિમા ઝડપથી મળી રહે તેવી જાહેરાત કરી છે, ત્યારે સવાલ એ છે કે સરકારે પાકવિમા આપવાની જાહેરાત કરી તે સારી વાત છે.

પરંતુ કૃષિ સચિવે જણાવ્યું કે 72 કલાકમાં જે લોકોએ પાકવીમા લીધા હોય તેમને હેલ્પ લાઇન નંબર ઉપર જાણ કરી દેવી, પરંતુ દૂર છેવાળાના ખેડૂતોને તો આ જાહેરાત સરકારે કરી છે તેની જાણ થતા જ 72 કલાક ખતમ થઈ જશે..! અને શું ખેડૂતો 72 કલાકમાં જાણ ના કરી શકે તો એને લાભ નહીં મળે..? તમે એવો કડક નિયમ કેમ નથી બનાવતા કે અગાઉના તબક્કાના જે વીમા કંપનીઓએ ખેડૂતોને વળતર નથી ચૂક્વ્યુ તો એને હુકમ કારોને ને 72 કલાકમાં ચુકવી દે, તમે જે નિયમ લીધો એમાં તો ઘણા ખેડૂતો લાભ વિના વંચિત રહી જશે..! શુ વીમા કંપનીઓ અને સરકાર સાથેની આ મિલીભગત છે..?

પાક નુકશાનનું વળતર વીમા કંપનીઓ ચુકવવામાં પણ આનાકાની કરે છે અને લાલીયાવડી કરે છે ત્યારે સરકાર કેમ એની સામે કડક પગલાં ભરતી નથી..? ગુજરાતમા છેલ્લા ત્રણ તબક્કામા જે નુકશાન ખેડૂતોને થયું છે તેનું આજ સુધી વળતર ચૂકવાયું નથી..! સરકાર દેખાડા માટે સર્વે કરવી દે છે અને જ્યારે ચૂકવવાનું આવે ત્યારે …! ગુજરાત રાજયમાં અને દેશમાં ઘણા એવા નાના ખેડૂતો અને મધ્યમ ખેડૂતો છે જે પાકવીમો લઇ નથી શકતા તો તેનું શું..? તમે જે જાહેરાત કરી તે તો જે ખેડૂતોએ વીમા લીધા હશે તેમને 10 દિવસમાં વળતર મળી જશે..! પરંતુ શુ સરકાર જે ખેડૂતોએ પાક વીમા નથી લીધા અને તેમને જે મોટા પ્રમાણમાં નુકશાન થયું છે તેમને રૂપાણી સરકાર 10 દિવસમાં વળતર ચૂકવી દેશે..?

સરકારે 15o કરોડ વળતર આપવાની જાહેરાત કરી પરંતુ હજુ સર્વ જ નથી થયો તો સરકારે કયા આધારે 15o કરોડ ચુકવવાની જાહેરાત કરી..? કેમ કે ખેડૂતોને નુકશાન તો ઘણા મોટા પ્રમાણમાં થયું છે 15o કરોડનું વળતર ચૂકવાઈ જશે અને છતાં પણ ખેડૂતો વળતરથી વંચિત રહી જશે તો જવાબદાર કોણ..? અગાઉ જે ખેડૂતોને નુકશાન થયું છે તેનું આજ સુધી વળતર ચૂકવાયુ નથી, તેને લઈને આજે ભાજપના નેતા ધવલસિંહે પણ લેખિતમાં સરકારને જાણ કરી છે જે ઝડપથી ખેડૂતોને વળતર ચુકવવામાં આવે..!

ત્યારે સરકારને પણ ખબર છે કે આપડે જે જાહેરાત કરી હતી તેનો લાભ હજુ સુધી ખેડૂતો સુધી પોહચ્યો નથી..! સરકારે ખરેખર વિચારવું જોઈએ અને ઝડપથી ખેડૂતોને વળતર મળે તે માટે પ્રયાસ કરવો જોઈએ જો વળતર ચુકવવામાં સરકાર ઢીલાશ કરશે અને વીમા કંપનીઓને છાવરશે તો ઘણા ખેડૂતો આપઘાત જેવું પગલુ ભરવા મજબુર થઈ જશે..! અને ગુજરાતમાં આવી ઘટનાઓ અગાઉ બનેલી જ છે આથી આ વિષય ઉપર સરકારે ગંભીર પૂર્વક નોંધ લઇ તત્કાલ વળતર ચૂકવાય તેવા પગલાં ભરવા જરૂરી છે..

(જી.એન.એસ. કાર્તિક જાની)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.