‘મહા’ નામના વાવાઝોડાના કારણે પાક અને જાનમાલના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા ભલામણ

Spread the love

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નર્મદાની યાદી જણાવે છે કે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૦૬/૧૧/૨૦૧૯ ની આસપાસ મહા નામનાં વાવાઝોડાંના કારણે મહદઅંશે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં  ભારે પવન સાથે કમોસમી માવઠા, મધ્યમથી ભારે વરસાદની આગાહી થયેલ છે. જે પરિસ્થતિ જોતાં આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેતાજ હોય છે, તેમ છતાં સંબંધિત ખેડુતોને તકેદારીનાં જરૂરી પગલા લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, શકય હોય ત્યાં ખરીફ સીઝનનાં લાંબા ગાળાના ઉભા પાકમાં પીયત આપવાનું  ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભવિત રોગ, જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. તેમજ જંતુનાશક દવા, ખાતર ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, અને વધુમાં ભારે વરસાદના લીધે નિચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઇ રહેતું  હોય તો ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવા જરૂરી આગોતરું આયોજન કરવું, રવિ પાકનું વાવેતર શકય હોય તો મુલતવી રાખવું ,તેમજ અનુકૂળ વાતાવરણ થયે રવિ પાકોનું વાવેતર તુરંત કરવાં ભલામણ કરાઇ છે.

ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેણે તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું  અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  કપાસના પાકમાં તૈયાર થયેલ જીંડવા તાત્કાલિક વીણાવી લેવા, મગફળી, ડાંગર જેવા ખરીફ પાકો કાપણી માટે તૈયાર થયેલ હોય તો હાલ પૂરતી કાપણીની કામગીરી મુલત્વી રાખવી તેમજ વધુ પવનથી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોંની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી,તેમજ ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતું પશુઓને ખુલ્લામાં વિજળીના થાંભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા અનુરોધ કરાયો છે.

આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ  અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.),નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિશાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક સાધવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,  જિલ્લા પંચાયત નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.    

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

Admin

Admin

9909969099
Right Click Disabled!