બૅન્કીંગ અને સહકારીક્ષેત્રમાં સાયબર કૌભાંડો રોકવા જીટીયુ – રિઝર્વ બૅન્ક ખાસ તાલીમ કોર્સ શરૂ કરશે

બૅન્કીંગ અને સહકારીક્ષેત્રમાં સાયબર કૌભાંડો રોકવા જીટીયુ – રિઝર્વ બૅન્ક ખાસ તાલીમ કોર્સ શરૂ કરશે
Spread the love

બૅન્કીંગ અને સહકારીક્ષેત્રમાં સાયબર કૌભાંડો અને ગેરરીતિઓ થતી રોકવા રિઝર્વ બૅન્કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે મળીને કમર કસવાનો નિર્ણય લીધો છે. તે દિશામાં સૌપ્રથમ પગલા તરીકે બૅન્કીંગ અને સહકારીક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખાસ સાયબર તાલીમ કોર્સ શરૂ કરવાનું નક્કી થયું છે. રિઝર્વ બૅન્કના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર શ્રી સતિશ મરાઠે અને સહકાર ભારતીના વરિષ્ઠ હોદ્દેદારો સાથે જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠ વચ્ચેની બેઠકમાં શુક્રવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં બૅન્કીંગ અને સહકારીક્ષેત્રની તાજેતરની પરિસ્થિતિ વિશે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે જીટીયુ જેવી રીતે સાયબર સિક્યુરિટીની બાબતમાં જનજાગૃતિ લાવવાથી માંડીને વિવિધ બાબતો અંગે ગુજરાત પોલીસને મદદ કરે છે, એવી જ રીતે બૅન્કીંગ અને સહકારીક્ષેત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ સાયબર સિક્યુરિટીની અત્યાધુનિક તાલીમથી સુસજ્જ કરવાનો સંયુક્ત વ્યૂહ ઘડી કાઢવામાં આવે. બૅન્કીંગ અને સહકારીક્ષેત્ર માટેના ખાસ કોર્સની રૂપરેખાને ભવિષ્યમાં રિઝર્વ બૅન્ક, સહકારી ક્ષેત્ર અને જીટીયુના ઉચ્ચ હોદ્દેદારો વચ્ચે ચર્ચા કરીને અંતિમ ઓપ આપવામાં આવશે, એમ ડૉ. શેઠે જણાવ્યું હતું.

બૅન્કો તથા સહકારીક્ષેત્રમાં કૌભાંડો અને ગેરરીતિઓ થતી રોકવા જડબેસલાક વ્યવસ્થા કરવા અમે કટિબદ્ધ છીએ અને તે દિશામાં અત્યાર સુધી અમે જનજાગૃતિના કાર્યક્રમો યોજતા રહ્યા છીએ. તેનાથી જાહેર જનતાને આવા સાયબર ફ્રોડનો ભોગ ન બનવા સાવચેત કરવામાં આવે છે. હવે તે દિશામાં વધુ એક પ્રયાસરૂપે સાયબરનો ખાસ તાલીમ કોર્સ શરૂ કરીને અધિકારીઓ પાણી પહેલા પાળ બાંધતા થાય અને સાયબર કૌભાંડો કે ગેરરીતિઓની તેઓને અગાઉથી ગંધ આવી જાય અને તાબડતોબ પગલાં લઈ શકાય એવી સિસ્ટમ બનાવવાનું અમારૂં આયોજન છે, એમ શ્રી મરાઠેએ જણાવ્યું હતું.

શ્રી મરાઠે રિઝર્વ બૅન્કમાં ઉચ્ચ સ્થાન સંભાળી જ રહ્યા છે, તેની સાથોસાથ તેમણે સ્થાપેલી સહકાર ભારતીના માધ્યમથી સહકારી ક્ષેત્રમાં અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હાલમાં સહકાર ભારતી સાથે 20 હજાર સહકારી સંસ્થાઓ સંકળાયેલી છે. તેઓ નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડિરેક્ટર છે અને નેશનલ કાઉન્સિલ ફોર કો-ઓપરેટીવ ટ્રેનિંગની કારોબારી સમિતિના સભ્ય પણ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બૅન્કથી માંડીને એપેક્સ બૅન્ક સહિતની અનેક સહકારી બૅન્કોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સેવા આપી ચૂક્યા છે. બજેટ પૂર્વેની બેઠકોમાં શ્રી મરાઠે સહકારી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. આ બધા પ્રદાનને ધ્યાનમાં રાખીને ઈફકોએ તેમને વર્ષ 2015માં સહકારિતા રત્ન એવોર્ડ એનાયત કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!