હૈદરાબાદ એનકાઉન્ટર : કાઉન્ટેડ જ્યુડીસીયરી અને લોકશાહી

હૈદરાબાદ એનકાઉન્ટર : કાઉન્ટેડ જ્યુડીસીયરી અને લોકશાહી
Spread the love

મેં  મારા પ્રવાસમાં જાતે અનુભવ્યું છે કે યુ. એ. ઈ.અને આફ્રિકાનો રવાન્ડા બંને દેશોના લોકોને કાયદાનો એટલો ખોફ છે કે રાત્રે બે વાગ્યે પણ તેઓ સિગ્નલ લાઇટને નિગ્લેટ કરી શકતા નથી. રવાન્ડાના નાગરિક તો ઘરની દિવાલોમાં પણ દેશના કાયદાના ઉલ્લંઘનની વાત એકદમ દબાતા સ્વરે કરે છે,ત્યાં ગુન્હાખોરીનું પ્રમાણ લગભગ નગણ્ય છે. આપણી પદ્ધતિના છીન્ડાઓ,અમલીકરણનો વિલંબ ગુનાઓનો વધુ વિસ્તાર કરવા ગુનેગારના ચેતના જગતને જકજોડે છે. તેથી જ હૈદરાબાદ જેવી રેપ વિથ મર્ડરની નિંદનીય ઘટનાઓને અંજામ મળતો રહે છે.તેનો ગુન્હેગાર ઝડપથી ફાંસીએ લટકે તે જરૂરી. સવાલ તે છે કે આ બન્યું તેના પાયામાં ઘણી પોષણયુક્ત સામગ્રી છે .તે ગુન્હેગારોને અભયવચન આપે છે. પછી નો સવાલ તેનાથી પણ પરોક્ષ રીતે ગંભીર છે કે આપણે આ રીતે ગોળી ધરબી દઈને કેવી રીતે ન્યાય કરી શકીએ?

પાકિસ્તાનની  સરખામણીમાં અહીં એન્કાઉન્ટરનું પ્રમાણ ઓછું છે. 2014 થી 2018 સુધીમાં પાકિસ્તાનનાં 3345 લોકોએ એનકાઉન્ટરથી જાન ગુમાવવા પડ્યા.ભારતના સત્તાવાર આંકડાઓ જવલ્લે જ આવી ઘટનાઓને બનવાની ગવાહી આપે છે.પરંતુ તે છતાં ભારતે મજબૂત લોકતંત્ર અને મહાસત્તા તરીકે વિશ્વમાં સ્થાપિત થવા આ પ્રકારની ઘટનાઓ કોરાણે કરવી જ રહી. તાજેતરમાં યુપીમાં યોગીના આગમન પછી દસ માસમાં 1142 પોલીસ વર્સીસ ક્રીમીનલની ઘટનાઓ બની જેમાંથી માત્ર 24 વ્યક્તિઓની કેજયુલીટી થઈ. આપણાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર પ્રદીપ શર્માના ખાતે 312 અને દયા નાયકના 83 ઍનકાઉન્ટર થયેલાં નોંધાયેલાં છે .લોકશાહી વ્યવસ્થામાં આ આંકડાઓ પણ બાકોરું પાડી શકે.

ભારતીય ન્યાયપ્રણાલીની પિરામિડ પદ્ધતિ

અંતિમ પડાવ સુધી પહોંચતાં વ્યક્તિને લોથપોથ કરી દે છે. માટે ક્યાંક આ પદ્ધતિ પરથી શ્રદ્ધા ડગમગે છે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા માંથી નીકળતાં નીકળતાં સમય પણ હાંફી જાય છે. ત્વરીત નિર્ણયશક્તિ કાયદાને વધુ ને વધુ તાકાત આપી શકે. કેસની ઉતરોતર સંખ્યામાં થઇ રહેલો વધારો અને તેની સામે આપણી વ્યવસ્થાઓ ઉણી ઉતરે છે. સને 2014માં ભારતમાં બળાત્કારની સંખ્યા 122783 હતી તે વધીને 2017 માં 146201 થઈ છે.તેમાં સજા તો માત્ર અનુક્રમે 27.4 ટકા અને 31.8 ટકા લોકોને જ થઈ.  કેવી રીતે કાયદો ભય ઉભો કરી શકે? કોઈપણ ખટલાનો પાયો તેની તપાસ એજન્સી છે તેની કાર્યરીતિ ઉદાહરણરૂપ અને મજબૂત ન હોય તો સ્વાભાવિક છે કે કલમનો ગાળીયો ગુન્હેગારના ગળામાં કસાતો નથી.તેને છટકી જવાની પૂરતી તકો મળી રહે છે.

બીજું વિલંબીત ન્યાયપ્રક્રિયા પણ ફરિયાદી ,સાક્ષી વગેરેના રોષને સમયે-સમયે ઠંડો પાડે છે. તેથી અદાલતી કાર્યવાહીમાં સૌ ટુંકા પડે છે. ગુન્હેગારોને ફરી પછી તક તક મળતી જાય છે. દેશની અદાલતોમાં વધી રહેલા કેસોની સંખ્યા પણ નજર કરો, તો ભારતની 25 હાઈકોર્ટમાં 42.55 લાખ કેસ જેમાંથી 12.15 લાખ ફોજદારી અને સર્વોચ્ચ અદાલતમાં 1.58 લાખ કેસ ચુકાદાની પ્રતીક્ષામાં છે. બોલો ક્યાંરે પાર આવે ?!! ન્યાયધીશોની જગ્યાઓ વડી અદાલતમાં 399 એટલે કે 37 ટકા વણપુરાયેલી છે,ત્યારે ઝડપી ન્યાયની અપેક્ષા ન્યાયોચિત લાગે ખરી ? સરકાર તેની આર્થિક, વ્યવસ્થાપનની પણ મર્યાદાઓને કારણે તેની પૂર્તતા ન કરી શકતી હોય પરંતુ આ પ્રકારના મુદ્દાઓથી મોઢું ફેરવી શકાય નહીં,તે તેણે સ્વીકારવું જ રહ્યું. ભાવનાત્મક મુદ્દાઓને બાજુના ટેબલ ગોઠવીને આ બાબતે ક્રિયાશીલતા ખૂબ મોટું રાષ્ટ્રહિતનું કાર્ય બની શકે.

એન્કાઉન્ટર એક પરમેનેન્ટ સોલ્યુશન નથી.  ભારતીય સંવિધાનના પાયાઓ પૈકીના ન્યાયાલય સિસ્ટમને સીધો પડકાર છે.જ્યારે તમે કોઈ પદ્ધતિમાંથી શ્રદ્ધાનો દીપક બુઝાતો જુઓ ત્યારે તમે અન્ય જગ્યા પર નજર દોડાવો છો. એનકાઉન્ટરની રીતરસમો જે હોય તે પરંતુ અગાઉ પ્રકાશ કદમ વર્સીસ રામપ્રસાદ ગુપ્તામાં આવી કાર્યવાહી સામે સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ નારાજગી દર્શાવી છે. કારણ કે ન્યાય પ્રણાલીમાં દરેકને પોતાનો બચાવ કરવાનો પુરતો અધિકાર અપાયો છે.ભારતીય સંવિધાનની કલમ 21 માં તમામ નાગરિકને પોતાના જીવનનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ભારતના સન્માનનીય ન્યાયમૂર્તિ શ્રી શરદ અરવિંદ બોબડેજીએ જોધપુરમાં કહ્યું કે ન્યાય ઉતાવળમાં ન થઈ શકે અને તે જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું ચરિત્ર ગુમાવી દે છે. આપનું આ વિધાન નાનું છતાં ઘણું સૂચક છે.

છેલ્લે ..

સમગ્ર ન્યાય પદ્ધતિમાં સુધારાઓની ઝડપ ભારતના આમ નાગરિકને લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ વધુ દ્ઢ્ઢ બનાવી શકે છે !

તખુભાઈ સાંડસુર

Admin

Admin

9909969099
Right Click Disabled!