સંબંધનો સહેલો પાસવર્ડ

સંબંધનો સહેલો પાસવર્ડ
Spread the love

સમાજશાસ્ત્રની સમજણ કહે છે કે વ્યક્તિ વ્યક્તિનો સરવાળો સમાજનું નિર્માણ કરે છે. પરંતુ સમાજનું સોહાર્દ, સૌષ્ઠવ સંબંધોથી ટકી રહે. અપેક્ષાઓનું એવરેસ્ટ જરૂરથી વધુ સક્રિયતા દેખાડે છતાં આવી પ્રોએક્ટીવનેસ સંબંધોને કૌંસમાં મૂકે છે. આજે મહાનગરનું જીવન સંબંધોની શુષ્કતામાં લપેટાઈ ગયું છે. કોને.. કોના માટે ..કેટલો સમય છે..? એકમેકની સંવેદનાઓની રુક્ષતા કેન્સરગ્રસ્ત થઈ ગઈ છે.  એવા સંબંધોને સંવારી શકે જ્યાં સથવારાની ધંખનાથી વહી જતાં સમયની અભાનતા સર્જાય. હૃદયમાંથી ઉદભવતા સ્ફુરણ આવેગીત ન હોય. એકમેકની ઉપસ્થિતિ અહીંયા હૈયાંને હિમાળામાં બદલતી હોય, તો સમજવું કે અહીં સંબંધોની રેસીપી સૌએ યથાર્થ રીતે સમજી છે.

કોઇપણ સંબંધ એક સેતુ છે,તેનું નિર્માણ કે નિર્વાણમાં ઉતાવળ ન હોય. આજે લગભગ બધાં જ ક્ષેત્રોમાં સંબંધો જે ગતિથી ગુંથાય છે એટલી ઝડપથી તે ક્ષત-વિક્ષત થતાં રહે છે. કવિયત્રી ક્રૃપા લખે છે..”સંબંધો લાગણીથી ઉછેરવાની મળી છે આ સજા, મળતાં હતાં દુરથી હવે એ અજવાશ પણ ગયાં.”..સવારે સગાઈ, બપોરે લગ્ન, સાંજે છૂટાછેડા અને નવી સવારે પુનર્લગ્ન, આ છે આજની વાસ્તવિકતા. સંબંધોની સુતરફેણી બે રીતે રચાય છે. એક બુદ્ધિથી અને બીજું હૃદયથી .પહેલા ક્રમનો સંબંધ લોભ-લાલચ સ્વાર્થની ધરી પર સર્જાયેલો છે, માટે તે કચકડા જેવો બટકણો, અમીબા જીવો અલ્પજીવી હોય છે. તેની ઓળખ મેળવવા, પામવાની ત્રિદ્રષ્ટિ જેવી આંખ જોઈએ.

જો તમે તેમાં આવી ગયાં તો પત્યું.સતકર્કતા એજ સમજદારી.સમયના તકાજાએ આવા સંબંધને ચર્મરોગના ચેપની જેમ સમાજમાં વિસ્તાર્યો છે. અરે, કહોને વિસ્ફોટક કર્યો છે. લગ્ન જેવી સંસ્થાઓ જીવનની સંગીન ઈમારતો છે,પણ તેને ડગમગાવવા આપણી રીતભાત કારણભૂત બની છે. સાંપ્રત સ્થિતીમાં મળતાં સ્વરૂપો, દાખલા, દલીલ કે દ્રષ્ટાંતો સતત પાટલી થપથપાવીને તેનો પ્રતિઘોષ પાડી રહ્યા છે. હૃદયથી જોડાયેલો તંતુ ભાવરુપ થઈ “દેવત્વ ‘ધારણ કરે છે. સમર્પણ ,ફનાગીરીની ત્યાં સતત હાજરી છે.

‘ જવા દો હવે’,’તેનું કરેલું તે જાણે’, ‘મારાથી આ ન થાય’, નો રણકો જ્યાં સંભળાય ત્યાં લાગણીભીના પાલવથી પોષાતો તે પરાપૂર્વનો નેડો છે. અહીં ‘હું ‘ની હાજરી નથી પણ ‘આપણે’ નો હેતાળવો હાથ હોય છે. લાગણીથી રચાતાં વર્તુળો છોને કોઈકને ક્ષણિક કે આવેગી લાગે. પરંતુ તે મે મહિનાના બળબળતા વાયરાના હલેસા નથી, શાશ્વત આનંદનો જલસો છે. સૌના નસીબમાં અભિનવ ઐશ્વર્યને પામવાનું સૌભાગ્ય નથી.પણ ” મિલા સો ગિલા હો ગયા..”!!!

જે વિશાળ સજીવ વર્તુળ ધરાવે છે  તો માનો તે લાગણીનું ભરપૂર લોટો છે, પરપોટો નથી. ઘસાઈને ઉજળા થવાનો આનંદ લૂંટે છે, દ્રોપદીના વસ્ત્રોની બાદબાકી થઈ તો પણ થતાં તેના સરવાળા જેમ જ તેમના પાસેથી ઓછું થતું નથી,બલ્કે  ઉમેરાતું રહેતું હોય છે. જમવામાં નહીં જમાડવામાં, પહેરવાની નહીં પહેરાવવામાં, મેળવવા નહીં આહુત કરવામાં તે વધુ માને છે. આનંદ કે સુખ હોય ઢુકંડુ પણ તેને આઈડેન્ટિફાઈ કરવું રહ્યું.

સંબંધનો એન્ટિવાયરસ ‘ઝટ મંગની પટ બ્યાહ’ ગણાય.ધીરજની શ્રેષ્ઠતાને સર્વોપરી કહેનારી આપણી કહેવતો કે રૂઢ ઉક્તિઓ અનુભવનો નિચોડ છે.અસત્ય સામે સત્ય,અપકાર સામે ઉપકાર,બદલો નહીં ક્ષમા, સ્વાથૅ નહીં સમર્પણ કરતાં થઈએ.જુઓ જ્યાંથી તમે સંબંધોની શરૂઆત કરી તેનો અંત આવવાનો કોઈ પ્રસંગ નહિ આવે. અહમ ઓગળે ને સમતાનો થાય સાક્ષાત્કાર. કોની સાથે ..?શા માટે ..? વિસંવાદ છે સૌ ક્ષણના મૂસાફર, બસ સૂર્યોદય થતાં જ ચાલતી પકડશે.કોઈ મહાપુરુષોના જીવનને માઇક્રોસ્કોપિક  ઓબજરવેશનમાં મુકો..! જરૂર ત્યાંથી એક નવો સંદેશ ,નવી વાત, નવી ચેતનાનો ચળકાટ પ્રાપ્ત થશે. વૈચારિક સોષ્ઠવયુક્ત સજ્જનોનો સંગ ભાગીરથી સ્વરૂપ બની રહેશે. નકારાત્મકતા, કાલ્પનિક ભયની પીડાને ફગાવો. કોઈ સાથે કંઈ કામ ન હોય તો પણ તેનો સંપર્ક નિત્ય સ્થાપિત કરો. પ્રતાડનથી પાછાં વળો,સહ્ય બનો.સદ્ સાહિત્ય, શુભચિંતક અને ધર્મનુ સેવન જૈવ ચ્વનપ્રાશ છે ,કરશો તો પામશો.

ક્યારેક જરુરીયાતમંદ પાસે છેતરાવાનું પણ ફાયદમંદ હોય.મરીઝ સાહેબની જાણીતી પંક્તિ છે

“જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે ”

કોઈ સંબંધોને કાપતાં થોભી જજો, ટકી રહેવામાં મજા છે. એકમેકની હુફ મંઝિલને ફૂલગુલાબી બનાવી શકશે ને આપણે સૌ પાર ઊતરી જશું.

  • તખુભાઈ સાંડસુર
Admin

Admin

9909969099
Right Click Disabled!